રાજા વ્રજપાલજીએ ઇ.સ.૧૫૬ સંવત - ૨૧૨માં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તેને ૧૮૦૦ વર્ષ થયાં તેથી મૂર્તિમાં નવીન ચૈતન્ય પ્રગટ કરવા શાસ્ત્રીય રીતે પુનઃપ્રાણપ્રતિષ્ઠા કરવાના વિચારનો અમલ કરી ૧૮મી શતાબ્દી મહોત્સવ તા.૨૩/૧૧/૧૯૭૬ થી તા.૨૯/૧૧/૧૯૭૬ સુધી ઉજવવામાં આવ્યો. તેમાં અંદાજે ૧૮ લાખ દર્શનાર્થીઓ ઉમટી પડયા. ઊંઝાના સર્વ લોકોએ ખુબ મહેનત કરી મહોત્સવને સફળ બનાવ્યો જે એક અભૂતપૂર્વ ઐતિહાસિક પ્રસંગ બન્યો. સરકારી તંત્રોએ અને વર્તમાન પત્રો, રેડિયોએ પણ સારો સહકાર આપ્યો હતો.
આ મહોત્સવના મુખ્ય યજમાન સ્વ. પટેલ સોમાભાઇ શંકરદાસ - મોલ્લોત ઊંઝાવાળા હતા. વિજયધ્વજ સ્વ. પટેલ બાલચંદદાસ ઉમેદદાસના હાથે રોપાયો હતો. મહોત્સવમાં યજ્ઞના મુખ્ય આચાર્ય નડિયાદના વિદ્વાન પંડિત અગ્નિહોત્રી શ્રી શુકદેવજી મહારાજ હતા.
મહોત્સવ શરૂ કરતાં સંસ્થાન પાસે માત્ર છ લાખની સિલક હતી. સમાજે માને ચરણે રૂપિયા બાવન લાખ ધરી દીધાં, જેમાં આઠ લાખ ખર્ચ જતા રૂપિયા ચુવાલીસ લાખની બચત થઇ.
મહોત્સવ પછીનું માતાજીનું સંસ્થાનઃ-
૧૮મી શતાબ્દી મહોત્સવથી પાટીદાર સમાજ એક બન્યો. માતાજીનું સ્થાન સમાજ માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું. સમાજના વિકાસ માટે અને યાત્રી સુવિધા માટે વિચારાયું. યાત્રિકો માટે અહીં આધુનિક સુવિધાયુક્ત, પથિકાશ્રમો અને ભોજનાલય બન્યાં, મંદિરમાં ચાંદીની જાળી, ગોલખ, કઠેડો તેમજ દરવાજા બનાવ્યાં. સત્સંગ હોલની જમીન પટેલ તળસીદાસ જોરદાસ રૂસાતે દાનમાં આપેલ જમીનના બદલામાં હોવાથી તેના પર તેમનું નામ જોડાયું. અંબાજી-બહુચરાજી અને સોલા-અમદાવાદ ખાતે પણ પથિકાશ્રમો બંધાયાં.
શ્રી ઉમિયા માતાજી સમાજ કલ્યાણી દેવીરૂપેઃ
મા ઉમિયાના દર્શને વધુને વધુ લોકો આવવા લાગ્યા. દાન ભેટ વધવા લાગી. મા ઉમિયાના આશીર્વાદથી સમાજ વિકાસ તરફ આગેકુચ કરવા લાગ્યો. સમાજના પાછળ પડેલા ભાઇઓ માટે પણ વિચારવું તે ધર્મનું કામ સમજી બંધારણમાં સમાજ વિકાસનો હેતુ ઉમેરી સમાજલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.
૧૮ મી શતાબ્દી મહોત્સવની નોંધપાત્ર બાબતો-
- ૧૮ થી ૨૦ લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો.
- રૂપિયા બાવન લાખ માના ચરણે માનવ મહેરામણે અર્પણ કર્યા.
- કડવા પાટીદાર સમાજ માતાજીની ધજા નીચે એક બન્યો. માનો ભક્તિ ભાવ વધ્યો. એકતા ભાઇ- ચારો પેદા થયો.
- સંસ્કારી પ્રજાનો સંસ્કારી મહોત્સવ બન્યો.
- ક્ડવા પાટીદાર સમાજ માટે જાગૃતિનો મહાયજ્ઞ બન્યો.
- માના આશીર્વાદથી સૌ સુખી, સમૃધ્ધ અને આબાદ બન્યા, દરેકનાં જીવન ધોરણમાં સુધારો થયો.
- કન્યા કેળવણી અભિયાન શરુ થયું.
- વર્ષમાં એકવાર મા ઉમિયાના દર્શને આવવાનું શરુ થયું.
- કડવા પાટીદાર સમાજે મહોત્સવથી કરવટ બદલી, સમાજમાં ગણનાપાત્ર બન્યા.
- કડવા પાટીદાર સમાજના વિકાસ પથનું પ્રથમ સોપાન બન્યું અને ઐતિહાસિક પ્રસંગ બન્યો.
મહોત્સવ પછીનું માતાજી સંસ્થાન-
૧૮ મી શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને કડવા પાટીદાર સમાજ એક બન્યો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ સમગ્ર કડવા પાટીદાર સમાજનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. સમાજની નજર મા ઉમિયાની ધજા તરફ રહેવા લાગી. માતાજી સંસ્થાનના કાર્યકર્તાઓએ ધાર્મિકતા સાથે સમાજની કાળજી લેવાની પોતાની ફરજ માની, જેથી સમાજના વિકાસ માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ વિચારવા લાગી.
સૌ પ્રથમ ૧૮ મી શતાબ્દી મહોત્સવથી એકત્ર થયેલ રાશીનો ઉપયોગ યાત્રી સુવિધા કરવા માટે વિચારાયું. યાત્રિકો માટે ઇ.સ.૧૯૭૭-૭૮ માં આધુનિક સુવિધાયુક્ત પથિકાશ્રમ અને ભોજનાલય માતાજી પરિસરમાં બનાવવામાં આવ્યું. તેનું ખાતમુહૂર્ત તા.૧૭-૫-૭૮ ના રોજ શેઠશ્રી હરિપ્રસાદ દુર્ગાપ્રસાદ લશ્કરીના હાથે થયું. પથિકાશ્રમમાં ૩૬ રૂમો, ૩ સ્ટોરરૂમ, એક સભાહોલ, અને પાંચ મોટા હોલ તૈયાર કરવામાં આવ્યા. ભોજનાલયમાં એકી સાથે ૪૦૦ યાત્રીઓ જમી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી. ભોજન ગેસના ચુલાથી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે મંદિરમાં ચાંદીની જાળી, ચાંદીનો ગોલખ અને ચાંદીનો કઠેડો બનાવવામાં આવ્યો. ચાંદીના દરવાજા ૩૬૮ કિલો ચાંદીથી બનાવવામાં આવ્યા.
ટાવરની બાજુમાં ૧૭ લાખના ખર્ચે ભવ્ય ઓફિસ બનાવવામાં આવી. તેના ઉપરના ભાગે યાત્રીઓના ઉતારા માટે ૧૨ રૂમો બનાવી અને એક સભા હોલ બન્યો. મતાજીના દક્ષિણ ભાગે એક સત્સંગહોલ પણ બનાવવામાં આવ્યો. દાનમાં આપેલ જમીનના બદલામાં સત્સંગ હોલ પર પટેલ તળશીદાસ જોરદાસ રૂસાતનું નામ જોડવામાં આવ્યું.
ઉપરાંત માનસરોવર ઉપર યાત્રીઓ માટે બીજા ૩૦ રૂમો બાંધવામાં આવ્યા. જેમાં ત્રણ એ.સી. રૂમોની સગવડ કરવામાં આવી.
આ સિવાય અંબાજી, બહુચરાજી અને સોલા - અમદાવાદ પથિકાશ્રમો બાંધવામાં આવ્યા.
|